વચનામૃત ગઢડા છેલ્લાનું - ૩૯

સંવત ૧૮૮૬ના અષાડ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી જે, (૧) જે ભગવાનની માયા તે કેઈ છે ? તો દેહને વિષે અહંબુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિષે મમત્વબુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી ને એ માયાને જેણે ટાળી તે માયાને તર્યો કહેવાય ને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત છે, તેને આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહ્‌લાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એમ જ માગ્યું છે જે અહંમમત્વરૂપ માયા થકી રક્ષા કરજો, ને તમારે વિષે પ્રીતિ થાજો, ને એ માયાને તર્યા હોય ને તમારે વિષે પ્રીતિવાળા હોય એવા જે સાધુ તેનો સંગ થાજો, ને એ સાધુને વિષે હેત ને મમત્વ થાજો, માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું, ને એનો શ્રવણ, મનન, નિદિધ્યાસ કરવો. (૧) અને ભગવાનનો જે ભક્ત હોય તેને આત્મનિષ્ઠાનું બળ તથા ભગવાનના માહાત્મ્યનું બળ એ બે બળ જોઈએ. તે આત્મનિષ્ઠા તે શું તો પોતાના આત્માને દેહથી પૃથક્‌ જાણવો, અને સાધુ ભેળા રહેતા હોઈએ તેમાં પરસ્પર કોઈક નિમિત્તે બોલાચાલી થાય તથા કોઈક જાતનો અહંમમત્વ થાય તથા માન, ક્રોધ, સ્વાદ, લોભ, કામ, મત્સર, ઈર્ષ્યા, એ આદિક અવગુણની પ્રવૃત્તિ થાય ત્યારે જો આત્મા પોતાને ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે, તેમાંથી એનું બહુ ભૂંડું થાય. માટે પોતાને દેહથી પૃથક્‌ આત્મા જાણવો, ને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી એવો છે અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે, ને જાણપણે યુક્ત છે. ને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યની કિરણ તે તો જડ છે, કેમ જે તેને આંગળી અડાડીએ તો ખસે નહિ, ને કીડી હોય તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે, માટે આત્મા તે જાણપણે યુક્ત છે ને એને સૂર્ય, અગ્નિ જેવો કહીએ છીએ. તે તો એનો આકાર એવો તેજસ્વી છે, તે માટે કહીએ છીએ. અને એ આત્મા અનેક યોનિને પામ્યો છે, અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે, અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તોપણ મર્યો નથી; જેવો છે તેવો ને તેવો જ છે. ને એ અજ્ઞાન અવસ્થામાં પોતાને દેહ રૂપે માનતો હતો ત્યારે પણ ન મર્યો તો હવે આપણે એનું જ્ઞાન થયું ત્યારે તો એ કેમ મરશે ? એવો જે આત્મા તેને પોતાનું સ્વરૂપ માનવું. (૨) અને ભગવાનનું માહાત્મ્ય કેમ જાણવું તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડના રાજાધિરાજ છે અને જે બ્રહ્માંડના એ રાજા છે તે બ્રહ્માંડની પણ ગણતી નથી તે કહ્યું છે જે ।। धुपतय एव ते न ययुरंतमनंततया ।। અને તે એક એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ હોય તથા સાત દ્વીપ, સાત સમુદ્ર, મેરુ, લોકાલોક આદિક પર્વત તેણે યુક્ત પૃથ્વીની રચના હોય તથા ચૌદ લોકની રચના હોય તથા અષ્ટ આવરણની રચના હોય ઇત્યાદિક સામગ્રીએ સોતાં જે અનેક બ્રહ્માંડ તેના રાજા ભગવાન છે, ને જેમ આ પૃથ્વીનો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાનાં જે ગામડાં તે તો ગણાય એવાં હોય તોપણ તેની કેટલી મોટપ જાણ્યામાં આવે છે, ને ભગવાનને તો એવાં બ્રહ્માંડની પણ ગણતી નથી, માટે ભગવાનની તો બહુ જ મોટપ છે. અને તે બ્રહ્માંડને વિષે આ જીવ છે તે ભગવાનની આગળ શા લેખામાં છે ? કાંઈ નથી; અતિ તુચ્છ છે. અને તે ભગવાને એ બ્રહ્માંડોને વિષે પંચવિષય સંબંધી સુખ જીવોને આપ્યું છે, તે સુખ કેવું છે ? તો એ સુખને સારુ કેટલાક પોતાનાં માથાં કપાવે છે એવું મહાદુર્લભ જેવું જણાય છે, ત્યારે પોતાની મૂર્તિમાં તથા પોતાના ધામમાં જે સુખ છે તે તો બહુ ભારે છે, અને પ્રાકૃત વિષયસુખ છે તે તો અન્ય પદાર્થને આશરીને રહ્યું છે, તથા પૃથક્‌ પૃથક્‌ છે અને જે ભગવાન છે તે તો સર્વ સુખમાત્રના રાશિ છે, ને એ ભગવાન સંબંધી જે સુખ છે તે અવિનાશી છે, ને મહા અલૌકિક છે. અને જેમ કોઈક ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય તે પોતાના ઘરમાં અનેક પ્રકારનાં ભોજન જમતો હોય, ને તે જમીને ઉચ્છિષ્ટ કાંઈક બટકું રોટલો વધે તે કૂતરાને નાખે ત્યારે તે અતિશે તુચ્છ કહેવાય, ને પોતે જમતો હોય તે મહાસુખમય કહેવાય, તેમ ભગવાને બ્રહ્માંડોને વિષે અનેક જીવોને પંચવિષય સંબંધી સુખ આપ્યું છે, તે તો કૂતરાને નાખ્યો જે બટકું રોટલો તેની પેઠે અતિ તુચ્છ છે, ને પોતાને વિષે જે સુખ છે તે તો મહામોટું છે. અને વળી સુષુપ્તિ અવસ્થાને વિષે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે, તે ગમે તેવી વેદના થઈ હોય ને સુષુપ્તિમાં જાય ત્યારે સુખિયો થઈ જાય છે. અને વળી એ ભગવાનના ચરણકમળની રજને બ્રહ્મા, શિવ, લક્ષ્મીજી, રાધાજી, નારદ, શુક, સનકાદિક, નવ યોગેશ્વર એવા એવા મોટા છે તે પણ પોતાના મસ્તક ઉપર ચડાવે છે, ને માનને મૂકીને એ ભગવાનની નિરંતર ભક્તિ કર્યા કરે છે. અને વળી એ ભગવાને જગતમાં વિચિત્ર સૃષ્ટિ કેવી કરી છે, ને તેમાં કેવું ડહાપણ કર્યું છે જે, જુઓને, માણસમાંથી માણસ થાય છે, પશુમાંથી પશુ થાય છે, ઝાડમાંથી ઝાડ થાય છે, કીડામાંથી કીડો થાય છે, ને માણસના અંગમાંથી કોઈક અંગનો ભંગ થઈ ગયો હોય ને ગમે તેવો ડાહ્યો હોય, તોપણ તે અંગને તેવું ને તેવું કરવાને સમર્થ કોઈ રીતે ન જ થાય, ઇત્યાદિક અનેક કળા ભગવાનમાં રહી છે, એવી રીતે ભગવાનનું માહાત્મ્ય જાણીને તથા ભગવાનને સુખમય મૂર્તિ જાણીને બીજા સર્વ પદાર્થમાં વૈરાગ્ય થાય છે, ને એક ભગવાનમાં જ પ્રીતિ થાય છે. અને એવી રીતે પ્રથમ કહ્યું જે પોતાના જીવાત્માનું જ્ઞાન તથા ભગવાનના માહાત્મ્યનું જ્ઞાન એ બે જેને સિદ્ધ થયાં હોય, ને તે જો ગમે તેવા પંચવિષય સંબંધી સુખમાં કદાચિત્‌ બંધાઈ ગયો હોય તોપણ તેમાં બંધાઈ રહે નહિ; તેને તોડીને નીકળે જ રહે અને જે વિષયના સુખનો ત્યાગ કરીને વર્તતો હોય ને તે ન બંધાય એમાં તે શું કહેવું ? માટે એ બે પ્રકારના જ્ઞાનને સાંભળીને એનો પોતાના મનમાં વેગ લગાડી દેવો, જેમ કોઈક શૂરવીર ને આકરો માણસ હોય ને તેનો કોઈક પ્રતિપક્ષી હોય તેણે તેનો બાપ મારી નાખ્યો હોય તો તેની તેને બહુ દાઝ થાય, ને તે દાઝ થાતી હોય ને વળી તેનો દીકરો મારી નાખે, ને વળી ભાઈને મારી નાખે, ને વળી બાયડીને લેઈ જાય ને વળી માને લેઈને મુસલમાનને આપે, ને વળી ગામગરાસ લૂંટી લે, એવી રીતે જેમ જેમ એનો પરાભવ કરે તેમ તેમ એને બહુ મનમાં દાઝ થાય, ને જાગૃત-સ્વપ્નમાં સર્વે કાળે એને એ વાતનો જ આલોચ રહે, તેમ જેને આ બે વાતનો નિરંતર આલોચ રહે ત્યારે એને એ જ્ઞાન સિદ્ધ થાય. અને ગમે તેવો આપત્કાળ પડે તો તેને વિષે એની સહાય કરે. અને જેમ વિશલ્યકરણી ઔષધિ લાવીને હનુમાનજીએ રામચંદ્રજીને પિવાડી ત્યારે જે દેહમાં શલ્ય લાગ્યાં હતાં તે સર્વે એને મેળે દેહથી બહાર નીકળી ગયાં, તેમ જેને આ બે વાત મનમાં લાગી ગઈ હોય તેને ઇન્દ્રિયોને વિષયભોગની ઇચ્છા રહી છે એ શલ્ય છે તે સર્વે નીકળી જાય, કહેતાં વિષયભોગમાંથી એની ઇન્દ્રિયોની વૃત્તિ નીકળીને એક ભગવાનમાં વળગે, અને સત્સંગી પણ એને જ કહીએ કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. (૩) અને આ બે પ્રકારે જે વાર્તા છે તેને દૈવી જીવ સાંભળે ત્યારે તેના હૃદયમાં લાગીને રગરગમાં પ્રવર્તી જાય, ને જે આસુરી જીવ હોય ને તે સાંભળે ત્યારે તેને તો કાનથી બહાર જ નીકળી જાય પણ હૃદયમાં ઊતરે નહિ, જેમ શ્વાન હોય ને તે ખીર ખાય તે તેના પેટમાં રહે જ નહિ; વમન થઈ જાય, ને ખીર જેવું કાંઈ ભોજન સરસ ન કહેવાય, તોપણ તે શ્વાનના પેટમાં રહીને રગરગમાં પ્રવર્તે નહિ, ને તે ખીરને માણસ ખાય ત્યારે તેને પેટમાં રહે ને રગરગમાં પ્રવર્તે ને બહુ સુખ થાય, તેમ શ્વાન જેવો જે આસુરી જીવ તેના હૃદયમાં તો આ વાત પેસે જ નહિ, ને માણસ જેવો જે દૈવી જીવ તેના હૃદયમાં ઊતરે ને રગરગમાં વ્યાપી જાય. (૪) અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે, ને ભગવાનને ભજી ભજીને ઘણાક ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તોપણ તે ભગવાન જેવા તો થતા જ નથી, ને જો ભગવાન જેવા જ થાય તો તો ભગવાન ઘણાક થાય, ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે. કેમ જે એક ભગવાન કહેશે જે હું જગતની ઉત્પત્તિ કરીશ ને બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ, અને વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ અને બીજો કહેશે હું નહિ કરું, ને એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ ને બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ, એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વે ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, પણ તલભાર પણ ફેર પડતો નથી, માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા ને સર્વેના સ્વામી આ એક જ ભગવાન છે, તથા ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી, માટે ભગવાન તે એક જ છે પણ બીજો આ જેવો થાતો નથી, અને આ સર્વે વાત કરી તે થોડીક છે પણ એમાં સર્વે વાત આવી ગઈ. અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાહ્યો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહિ, અને આટલી વાત સમજીને જેણે દૃઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ; એને કાંઈ કરવું બાકી ન રહ્યું. અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને તે વાતની જે ભગવાનના ભક્તને દૃઢતા હોય તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દૃઢતા થાતી જાય. (૫) અને આ વાત જે અમે કરીએ છીએ, તે કાંઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા, તથા સિદ્ધાઈ જણાવવા સારુ નથી કરતા; આ તો અમારી અજમાવેલ વાત છે, ને જેમ અમે વર્તીએ છીએ, તેમ વાત કરીએ છીએ કેમ જે, અમારે સ્ત્રી-ધનાદિક પદાર્થનો ભારે યોગ છે, તથા પંચવિષયનો ભારે યોગ છે, તથા સુરત, અમદાવાદ, વડોદરે, વરતાલે જાઈએ છીએ ત્યારે હજારો માણસો ભેગાં થાય છે, ને તે માને છે તથા વાજત-ગાજતે અતિ સન્માન કરીને પધરાવે છે, તથા ત્યાં ત્યાં ભારે ભારે જાયગાઓ જોયામાં આવે છે, તથા ભારે વસ્ત્ર, વાહનાદિકનો યોગ થાય છે એ સર્વે છે; તથાપિ પોતાના આત્મા સામી દૃષ્ટિ કરીએ છીએ તથા ભગવાનના માહાત્મ્ય સામી દૃષ્ટિ કરીએ છીએ માટે સર્વેનું અતિ તુચ્છપણું થઈ જાય છે; એમાં કોઈ ઠેકાણે બંધાઈ જવાતું નથી, ત્યારે એેને પૂર્વદેહની જેમ વિસ્મૃતિ છે તેમ જ એ સર્વેની વિસ્મૃતિ થઈ જાય છે. માટે એ બે વાત અમારે સિદ્ધ થઈ છે, તે સારુ એમ અમારે વર્તાય છે, અને બીજો પણ જો એ બે વાતને સિદ્ધ કરે તો તેને કદાચિત્‌ એવો કોઈક યોગ થઈ જાય, તોપણ એને એમ વર્તાય માટે, આ વાત અવશ્ય સમજવાની છે. એવી રીતે શ્રીજીમહારાજે કૃપા કરીને બીજાને સમજાવવા સારુ પોતાનું વર્તન લેઈને વાર્તા કરી, ને પોતે તો સાક્ષાત્‌ શ્રી પુરુષોત્તમનારાયણ છે. (૬) ઇતિ વચનામૃતમ્‌ ।।૩૯।। (૨૭૩)

રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે દેહમાં અહંબુદ્ધિ ને પદાર્થમાં મમત્વબુદ્ધિ એ જ માયા છે, તે માયાને ટાળીને અમારે વિષે પ્રીતિ કરવી, અને માયા થકી રક્ષા કરજો ને તમારા સાધુનો યોગ થજો, ને તે સાધુને વિષે હેત ને મમત્વ થજો, એમ અમારી પાસે માગવું. (૧) અને સાધુ સાથે કોઈક નિમિત્તે બોલાચાલી થાય તો પોતાને આત્મા જાણતા હોઈએ તો સાધુનો અવગુણ ન આવે, માટે પોતાને દેહથી પૃથક્‌ આત્મા જાણવો તે આત્મા તેજસ્વી છે, જાણપણે યુક્ત છે ને અજર-અમર છે. (૨) અને અમે અનંત બ્રહ્માંડના રાજા છીએ, ને અતિશે સુખમય છીએ ને સર્વેને સુખના દાતા છીએ ને સર્વેના કર્તા છીએ ને અતિશે સમર્થ છીએ, આવું અમારું માહાત્મ્ય જાણે તો અમારા વિના બીજેથી વૈરાગ્ય થાય ને અમારે વિષે પ્રીતિ થાય ને આત્મા-પરમાત્માના જ્ઞાનનો વેગ લગાડી દે તો આ જ્ઞાન સિદ્ધ થાય, ને ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાંથી નીકળીને અમારે વિષે વળગે ને તેને જ સત્સંગી કહીએ. (૩) અને આ વાત દૈવી જીવને રગરગમાં પ્રવર્તી જાય, ને આસુરી જીવને બહાર નીકળી જાય. (૪) અને અમે એક જ ભગવાન છીએ પણ અમારા જેવો કોઈ થતો નથી, આ વાત સમજાય તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી, ને આવી દૃઢતાવાળાનો સંગ રાખવો. (૫) ને આત્મા તથા અમારા માહાત્મ્ય સામી દૃષ્ટિ રાખે તો કોઈ ઠેકાણે બંધાય નહીં. (૬) બાબતો છે.

         પ્ર ત્રીજી બાબતમાં આત્મા-પરમાત્મામાં વેગ લગાડવો એમ કહ્યું તે પરમાત્મા તો શ્રીજીમહારાજ છે પણ આત્મા કિયો જાણવો ? ને વેગ લગાડનાર કોને જાણવો ?

         ત્રણ દેહથી નોખો એવો જે જીવાત્મા તે પોતે પોતાને વિષે ને શ્રીજીમહારાજને વિષે વેગ લગાડે એમ કહ્યું છે, તે (પ્ર. ૨૦ના પહેલા પ્રશ્નમાં) પોતે પોતાને જોતો નથી તે જ અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે એમ કહ્યું છે, માટે જીવ પોતે પોતાને વિષે વેગ લગાડે જે હું બ્રહ્મરૂપ એવો આત્મા છું ને મારે વિષે શ્રીજીમહારાજ રહ્યા છે એવો આલોચ રાખીને પોતાના આત્માને શ્રીજીમહારાજના તેજરૂપ માનીને તેને વિષે શ્રીજીમહારાજની મૂર્તિને અખંડ ધારે એમ કહ્યું છે પણ જોનારો આત્મા ને જોવાનો આત્મા જુદો નથી. ।।૩૯।। (૨૭૩)

ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત

સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત

વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં છેલ્લું પ્રકરણં સમાપ્તમ્‌

એવી રીતે આ જે સર્વે શ્રીજીમહારાજનાં વચનામૃત તે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી તથા શુકમુનિ એ પાંચ સદ્‌ગુરુએ મળીને જેમ સાંભળ્યું છે ને જેમ પોતાની બુદ્ધિ છે તે પ્રમાણે લખ્યાં છે, અને શ્રીજીમહારાજ જે તે દિવસ દિવસ પ્રત્યે આવી રીતની અનેક પ્રકારની વાર્તાને કરતા થકા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા શ્રી ગઢડા, શ્રીનગર ને શ્રી વરતાલ આદિને વિષે વિરાજતા હવા.

।। શ્લોકા : ।।

मुक्तानंदोडथ गोपालानंदो मुनिरुदारधी: ।

ब्रह्मानंदमुनिर्नित्यानंद: शुकमुनिस्तथा ।।૧।।

तै: पच्चमि: सुसंगत्य श्रीहर्य्युक्ति सुधोदधि: ।

लिखित: शोधितश्चापि यथा बुद्धिर्यथा श्रुतम् ।।૨।।

वचोमृतानि तत्रादौ दुर्गपुरे तु धार्मिणा ।

अष्टसप्तति संख्यानि प्रोक्तानीष्टप्रदानि हि ।।૩।।

प्रोक्तानि च ततस्तेन सारंगपुरसंज्ञके ।

ग्रामेडष्टादशसंख्यानि तानीष्टानि भवन्ति हि ।।૪।।

तेनोक्तानि ततस्तानि ग्रामे कार्यायनाभिधे ।

सन्ति द्वादश संख्यानि सर्व सौख्यकराणि हि ।।૫।।

लौहाभिधे ततो ग्रामे तानि प्रोक्तानि तेन च ।

सन्त्यष्टादशसंख्यानि भक्ताभिष्टप्रदानि हि ।।૬।।

ग्रामे पंचालसंज्ञेडथ तेन तान्युदितानि वै ।

सन्त्येकान्तिकभक्तानां प्रेष्टानि सप्तसंख्यया ।।૭।।

पुनर्दुर्गपुरे तेन स्वामिना कथितान्यथ ।

सन्ति तानि सप्तषष्ठि संख्यातानि हि तत्त्वत: ।।૮।।

ततो वृत्तालयपुरे तेन धर्मसुतेन च ।

तानि विंशति संख्यानि कथितानि भवन्ति हि ।।૯।।

तत: श्रीनगरे प्रोक्तान्यष्टौ मोक्षप्रदानि च ।

श्री भक्तिधर्मपुत्रेण सन्ति भक्तप्रियाणि हि ।।૧૦।।

अश्लालीसंज्ञकेग्रामेडथैकमुक्तं हि धार्मिणा ।

पज्चतान्युक्तवान स्वामी जयतल्यपुरे तत: ।।૧૧।।

कथितानि पुनस्तेन स्वामिना दुर्गपत्ताने ।

तानि सन्त्येकोनचत्वारिंशत्सख्यानि तत्त्वत: ।।૧૨।।

एवं हितानि सर्वाणि मितानि त्रिनगाक्षिभि:।

सन्ति सं लिखितानि श्रीमहाराजनिदेशत: ।।૧૩।।

इमानि ये पठिष्यन्ति श्रोष्यंति चादराज्जना: ।

भविष्यति हरौ तेषां भक्तिरेकान्तिकी ध्रुवम् ।।૧૪।।

आप्याययन्निज्जनान् स्वकीयवचनामृतै: ।

जयति श्रीहरि: स्वामी श्रीमत दुर्गपुरे प्रभु: ।।૧૫।।

स्वधर्मस्य च जीवात्मज्ञानस्य विरतेस्था ।

माहात्मयेन सह स्वीय ज्ञानभक्त्योर्यथार्थ त: ।।૧૬।।

लक्षणानि स्वभक्तेभ्यो य उवाच दयानिधि: ।

नानाविधै: प्रसंगैस्तं नमामो भक्तिनंदनम् ।।૧૭।।

निजैर्वचौडमृतैर्लोकेतर्पयद्यो निजाश्रितान् ।

प्रीतो न: सर्वदा सोडस्तु श्रीहरिर्धर्मनंदन: ।।૧૮।।

तद्वचोडमृतपातारो ये स्युस्तत्पदसंश्रया: ।

सत्संगिन: प्रसन्नास्ते भवन्त्वस्मासु सर्वदा ।।૧૯।।

।। ઇતિ શ્રી ભક્તિધર્માત્મજઃ શ્રી સહજાનંદ સ્વામી વચનામૃતાનિ સંપૂર્ણાનિ ।।